પાકિસ્તાનના મુલ્તાન શહેરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુલ્તાન શહેરમાં આવેલી એક હોસ્પિટલની છત પર લગભગ 200 જેટલી સડેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝે દાવો કર્યો છે કે, શુક્રવારે મુલ્તાનમાં નિશ્તાર હોસ્પિટલની છત પર આ સડેલી લાશો મળી આવી છે. જે બાદ સરકારે આ ઘટનાની તપાસ કરવાનો ઓર્ડર આપ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે, કેટલીય બોડીના પાર્ટ્સ ગાયબ હતા અને મહિલાઓની લાશ તો નગ્ન અવસ્થામાં પડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિશ્તાર હોસ્પિટલની છત પર બનેલા રૂમમાં ઢગલાબંધ લાશો સડી રહી છે. તો વળી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ન્યૂઝ અનુસાર, છત પરથી માનવ શરીરના અંગો મળી આવ્યા છે. જો કે, શબની સંખ્યાને લઈને હાલમાં કોઈ પણ સરકારી અધિકારીએ ન તો તેની પુષ્ટિ કરી છે, ન તો તેનું ખંડન કર્યું છે.
પાકિસ્તાનમાં આવેલા પંજાબના મુખ્યમંત્રીના સલાહકાર તારિક જમાન ગુર્જરે કહ્યું કે, એક શખ્સે તેમને નિશ્તાર હોસ્પિટલની છત પર લાશ સડેલી હોવાની સૂચના આપી છે. તેમણે કહ્યું કે, જ્યારે હું નિશ્તાર હોસ્પિટલ પર ગયો, તો એક શખ્સ મારી પાસે આવ્યો અને કહ્યું કે, જો આપ કોઈ સારુ કામ કરવા માગતા હોવ તો મડદાઘરમાં જાવ અને તેની તપાસ કરો.
કર્મચારીઓ મોર્ચરીનો દરવાજો ખોલવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે, ત્યાર બાદ મેં તેમને ધમકી આપી કે જો તમે દરવાજો નહી ખોલો તો, તમારા લોકો વિરુદ્ધ ફરિયાદ કરાવી દઈશ. તેમણે કહ્યું કે, જ્યારે મડદાઘર ખોલ્યું અને જેવા અંદર ગયા તો, જોયું તો, લગભગ 2000 જેટલી લાશો પડી હતી. તેમાં પુરુષો અને મહિલાઓની સડેલી લાશો હતી અને એ પણ નગ્ન અવસ્થામાં હતી. અહીં મહિલાઓેની લાશોને ઢાંકવામાં પણ આવી નહોતી.