ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો પકડાવવાનો સિલસિલો ચાલુ છે. ત્યારે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ગાંજાનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એલસીબીની ટીમે એક નવી નક્કોર કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી 250 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.
હાલ ઘટનામાં કાર ચાલક ફરાર છે. આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે. આ મામલે પોલીસે 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ એલસીબીની ટીમે બાતમીને આધારે અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં ભગાવી હતી. જેને પગલે એલસીબીની ટીમે હાઈવે પર નવી કારનો પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે તેને ઝડપી પાડી હતી. જોકે, કાર ચાલકને નાસી છૂટવામાં સફળતા મળી હતી.
ટીમ દ્વારા નવી નક્કોર કારની તપાસ કરતા કારમાંથી 250 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનું મનાય છે. હાલ વલસાડ LCBની ટીમે ગાંજો અને કાર સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ એલસીબીની ટીમે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.