ગ્લોબલ હંગર ઇન્ડેક્સની લેટેસ્ટ રિપોર્ટ ભારત માટે એક મોટો ચિંતાનો છે. આ રિપોર્ટમાં કુલ 121 દેશોની યાદીમાં ભારતને 107મું સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને છોડીને ભારત દક્ષણિ એશિયાના લગભગ દરેક દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(Global Hunger Index) એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખમરાને વ્યાપક રીતે માપવા અને ટ્રેક કરવાનું એક ઉપકરણ છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના સ્કોરની ગણતરી 100-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે જે ભૂખની ગંભીરતાને દર્શાવે છે. જ્યાં શૂન્ય સ્કોર સારો ગણવામાં આવે છે પણ 100મો સ્કોર સૌથી ખરાબ માનવામાં આવે છે. ભારતને મળેલ 29.1 નો સ્કોર તેને ‘ગંભીર’ શ્રેણીમાં મૂકે છે. પાડોશી દેશોની વાત કરીએ તો લગભગ બધા જ દેશો ભારત કરતા સારા છે.
જણાવી દઈએ કે શ્રીલંકાને 64મો નંબર મળ્યો છે તો નેપાળને 81મો નંબર. આ સાથે પાકિસ્તાનને 99મો રેન્ક મળ્યો છે. અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં એકમાત્ર એવો દેશ છે જેને 109 મો નંબર મળ્યો છે અને તેની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે. કુપોષિત લોકોની સંખ્યા ભારત દેશમાં 2018-2020માં 14.6% હતી જે વધીને 2019-2021માં 16.3% થઈ હતી. આ આંકડા મુજબ ભારતમાં 224.3 મિલિયન લોકો કુપોષિત ગણાય છે.
જણાવી દઈએ કે વિશ્વ સ્તરે કુપોષિત લોકોની કુલ સંખ્યા 828 મિલિયન છે. આ બધા સામે ભારતના અન્ય સૂચકાંકોમાં સુધારો પણ દેખાયો છે. વર્ષ 2014 અને 2022 ની વચ્ચે બાળ મૃત્યુ દર 4.6% થી ઘટીને 3.3% થયો છે. જો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 2014માં 28.2 હતો જે 2022માં વધીને 29.1 થઈ ગયો છે.