દિલ્હી સરકારની નવી આબકારી નીતિ (Excise Policy)ની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે.
આ પહેલા 16 સપ્ટેમ્બરે EDએ દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, નેલ્લોર અને ચેન્નાઈ સહિત દેશભરમાં 40 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ ફક્ત હૈદરાબાદમાં જ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી 7 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડીનો આબકારી નીતિ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેટલાક નોકરિયાતોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ આ કેસના સંબંધમાં સિસોદિયા (50), ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારમાં મનીષ સિસોદિયાની પાસે આબકારી અને શિક્ષણ સહિત અનેક વિભાગ છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલ ચીફ વિજય નાયર અને દારૂના વેપાર સાથે જોડાયેલા સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામ સામેલ છે.વાસ્તવમાં, લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે નવી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી.
મુખ્ય સચિવે 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી આબકારી નીતિ (excise policy)માં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપ લગાવ્યા હતા. આમાં અન્ય બાબતોની સાથે-સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર બાદ ફાયદો પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીના મુખ્ય સચિવે લેફ્ટનન્ટ ગવર્નરને મોકલેલા તેમના રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે દારૂ વેચનારાઓની લાયસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી. ભાજપ અને કોંગ્રેસે આ કથિત કૌભાંડનો આરોપ લગાવીને દિલ્હી સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવાદ વધતાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી. આ પછી સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધીને તેની તપાસ શરૂ કરી હતી અને તેના આધારે ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.