રશિયાના મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં શુક્રવારે વહેલી સવારે બોમ્બ હોવાની જાણ થઈ હતી. જેના કારણે હાડકંપ મચી જવા પામી હતી. ફ્લાઈટ સવારે 3.20 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થઈ હતી. જો કે આ ધમકી બાદ હજુ સુધી કોઈ દુર્ઘટના બની નથી જે સુખદ બાબત છે. તમામ ક્રૂ મેમ્બરો અને મુસાફરોને ઝડપથી ઉતારવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પ્લેનની તપાસ શરૂ કરી હતી.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના કંટ્રોલ રૂમની સોશિયલ મીડિયા સાઈટ પર ગુરુવારે મોડી રાત્રે 11 વાગ્યે રશિયાથી આવી રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. આ પછી, ઉતાવળમાં ફ્લાઇટ ચેકની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. અને બાદમાં મુસાફરોને પણ ઝડપથી ઉતારવામાં આવ્યા હતા.
ગત સપ્તાહની શરૂઆતમાં DGCAને ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી પણ મળી હતી. ત્યારબાદ, ભારત તરફથી સાવચેના પગલાં સ્વરૂપે ઈરાનની મહાન એરની આ ફ્લાઈટને જયપુરમાં ઉતરાણ કરવાની ઓફર કરવામાં આવી હતી. એરફોર્સે ફ્લાઈટને લેન્ડ કરવા માટે સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ પણ મોકલ્યું હતું. જોકે, બાદમાં આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી ખોટી સાબિત થઈ હતી.