રાજસ્થાનના કરૌલીના સપોત્રામાં સોમવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના સિમીર ગ્રામ પંચાયતના મેદપુરા ગામમાં માટીના ઢગલા ધસી પડતાં 3 બાળકીઓ અને 3 મહિલાઓનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને બાળકીઓને ઈજા થઈ છે.
ઘાયલોને સારવાર માટે સપોત્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હાલ તેમને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દિવાળી પર ઘરના પેઇન્ટિંગ માટે માટી ખોદતી વખતે આ અકસ્માત થયો હતો.
ગામના લોકો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 યુવતીઓ સહિત 6ના મોત થયા હતા, જ્યારે ચાર બાળકીઓ અને યુવતીઓને ઇજાગ્રસ્ત હાલતમાં સપોત્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ કરૌલીના કલેક્ટર અંકિત કુમાર સિંહ સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં અનિતા પત્ની રાજેશ માલી ઉંમર 22 વર્ષ, રામનારી પત્ની ગોપાલ માલી ઉંમર 28 વર્ષ, કેશનતી પત્ની ચિરંજી માલી, ખુશ્બુ, કોમલ અને અંજુ દીકરી ગોપાલ માલીનો સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ પોલીસે તમામના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતને પગલે ગામમાં શોકનો માહોલ છે.