દિલ્હીના શરાબ કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજે EDએ દિલ્હી સહિત હૈદરાબાદ અને પંજાબમાં 35 ઠેકાણાંએ દરોડા પાડ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં EDની કાર્યવાહી દરમિયાન શરાબ કૌભાંડમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. EDની રેડ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે માત્ર ગંદી રાજનીતિ માટે અધિકારીઓનો સમય બગાડવામાં આવી રહ્યો છે.
કેજરીવાલે ટ્વીટ કર્યું કે, “500થી વધુ રેડ, 3 મહિનાથી CBI/EDના 300થી વધુ અધિકારી 24 કલાક લાગેલા છે. એક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધ છે. કંઈ ન મળ્યું કેમકે કંઈ કર્યું જ નથી. પોતાની ગંદી રાજનીતિ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. આ રીતે દેશ વિકાસ કેમ કરશે?” આ પહેલાં 28 સપ્ટેમ્બરે EDએ સમીર મહેનદ્રૂની ધરપકડ કરી હતી. EDની FIR મુજબ ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રૂ દ્વારા કથિત રીત સિસોદિયાના નજીકના સહયોગીને કરોડોમાં ઓછામાં ઓછી બે ફાળવણી કરી હતી, જે કથિત રીતે અનિયમતિતાઓમાં સામેલ શરાબ વેપારીઓમાંથી એક હતા.
તો સીબીઆઈની એફઆઈઆરમાં આરોપ છે કે ડેપ્યુટી સીએમ સિસોદિયાના એક કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ સીઆઈઓ વિજય નાયર દ્વારા સમીર મહેન્દ્રૂથી લગભગ 2-4 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. આ પહેલા 6 સપ્ટેમ્બરે પણ EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 35 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી હતી. EDએ દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, લખનઉ, હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ અને પંજાબના શહેરોમાં રેડ કરી હતી. તપાસ એજન્સીના નિશાન શરાબના વેપારીઓ હતા.
EDની કાર્યવાહીમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું ઘર પણ સામેલ હતું. દિલ્હી શરાબ કૌભાંડ મામલે ગત 27 સપ્ટેમ્બરે સીબીઆઈએ વિજય નાયરની ધરપકડ કરી હતી. તે એક એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ છે. તેમના ઠેકાણાં પર ઈડીએ પણ દરોડા પાડ્યા હતા. નાયરને આ કથિત કૌભાંડનો મુખ્ય ષડયંત્રકારી માનવામાં આવે છે.