કર્ણાટકના બીદર જિલ્લામાં દશેરાના દિવસે એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ કાઢી રહેલા લોકોની ભીડ એક ઐતિહાસિક મદરેસાના પરિશરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ભીડે એક ખૂણામાં પૂજા-અર્ચના પણ કર્યા હતા. આરોપ છે કે ભીડે મદરેસા પરિસરના ગેટનું તાળું તોડીને મંદિરની અંદર ઘૂસી હતી. ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાંક લોકો મદરેસાની સિડીઓ પર જોવા મળે છે.
આ મામલાને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, અને ચાર લોકોની ધરપકડ કરી છે. મુસ્લિમ સંગઠનોએ મામલાને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે જો કોઈ ધરપકડ ન થઈ તો જુમ્માની નમાઝ પછી ઉગ્ર પ્રદર્શન થઈ શકે છે. જે મદરેસા પરિસરમાં ભીડ ઘૂસી તેને બીદરના મહેમૂદ ગવાં મદરેસાના નામથી ઓળખવામાં આવે છે. 1460માં બનેલી આ મદરેસા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત આવે છે અને આ રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની સૂચીમાં પણ સામેલ છે.
વાયરલ વીડિયોમાં ભીડ દેવી, વંદે માતરમ અને હિન્દુ ધર્મની જયના નારા લગાવે છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે ભીડ બુધવારે તાળું તોડીને મદરેસા પરિસરમાં ઘૂસી હતી. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી કે 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ઘટનાનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું, “તસવીર કર્ણાટકના બીદરના ઐતિહાસિક મહેમૂદ ગવાં મસ્જિદ અને મદરેસાની 5 ઓક્ટોબરની છે.
ચરમપંથીઓએ તેનું તાળું તોડ્યું અને તેને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો. બીદર પોલીસ અને બસવરાજ બોમ્મઈ તમે આવું કઈ રીતે થવા દઈ શકો છો? ભાજપ માત્ર મુસ્લિમોને નીચા દેખાડવા માટે આવી હરકતને પ્રોત્સાહન આપે છે.” ટીકાકારો ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યના કેટલાંક વિસ્તારમાં સાંપ્રદાયિક પ્રયોગ કરી રહી છે. કર્ણાટકના હિજાબ મામલાથી આવા આરોપ શરૂ થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા મંદિરના મેળામાં મુસ્લિમની દુકાન પર પ્રતિબંધ લગાડવાનો મામલો પણ સામે આવ્યો હતો. તો ઓગસ્ટમાં હુબલીના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈને પણ વિવાદ ગરમાયો હતો.