થાઈલેન્ડમાં ગુરુવારે એક ભયાનક ઘટના બની હતી જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક ચાઈલ્ડ કેર સેન્ટર પર અંધાંધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 30 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંધાધૂંધ ગોળીબારના કારણે ભારે ચીસાચીસ મચી ગઈ હતી.
થાઈલેન્ડનાં પૂર્વોત્તર વિસ્તારમાં માસ શૂટિંગની ઘટનામાં 30 થી વધારે મૃતકોમાં મોટા ભાગનાં બાળકો હતા. આ વાતની જાણકારી સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા પોલીસના હવાલે આપવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાઈલ્ડ કેર સેન્ટર પર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બાળકો અને વયસ્કોનાં મોત થયા હતા.
કુલ 30 થી વધારે લોકોએ લોકોએ જીવ ગુમાવ્યા હતા.હુમલાખોર એક પૂર્વ પોલીસ અધિકારી હોવાની જાણકારી મળી રહી છે અને તેની શોધ ચાલુ છે. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ તમામ એજન્સીને તરત એક્શન લેવા માટે ઓર્ડર્સ આપી દીધા છે અને આરોપીને પકડવા માટે અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અહીં જણાવી દઈએ કે થાઈલેન્ડમાં આ પ્રકારની ગોળીબારની ઘટનાઓ ખાસ્સી ઓછી જોવા મળતી હોય છે અને પોલીસ વ્યવસ્થાની રીતે પણ સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 2020માં પ્રોપર્ટી ડીલથી નારાજ એક સૈનિકે ભીષણ ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા. અને 57 લોકો ઘાયલ થયા હતા.