ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.
87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
આપને એ પણ જણાવી દઈએ કે આગામી 11 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં કેટલાક ધારાસભ્યો ભાજપ ગમન કરશે તેવી ચર્ચાઑએ જોર પકડયું હતું, તેવામાં હર્ષદ રિબડિયાનું રાજીનામું પડતાં હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી આંધી ઉઠતી હોય તેવુ લાગી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીની જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઇ જશે તેવા સોગઠાં ગોઠવાઈ ગયા છે. કારણ કે ભાજપમાં જોડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની વાત મૂકી હોવાની રાજકિય ગલિયારામાં ચર્ચાઓ છે.