દેશભરમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIની મોટી કાર્યવાહી સામે આવી છે. ‘ઓપરેશન ચક્ર’ હેઠળ, રાજ્ય પોલીસની સાથે સીબીઆઈની ડઝનબંધ ટીમો હાલમાં દેશભરમાં દરોડા પાડી રહી છે. એજન્સીના નિશાના પર સાયબર ક્રાઈમ સંબંધિત સ્થળો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈનું સાયબર ક્રાઈમ ડિવિઝન આ સમગ્ર ‘ઓપરેશન ચક્ર’નું સંકલન કરી રહ્યું છે.
CBIની ટીમો રાજ્ય પોલીસની સાથે દેશભરમાં 105 સ્થળોએ હાજર છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટરપોલ, FBI, રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ દ્વારા આ સાયબર ક્રાઈમ અંગે સતત ઈનપુટ મળી રહ્યા હતા. આ પછી, ઓપરેશન ચક્ર હેઠળ પહેલા આ સ્થળોની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને પછી સીબીઆઈએ રાજ્ય પોલીસ સાથે મળીને 105 સ્થાનો પર દરોડા પાડ્યા હતા.
હાલમાં સીબીઆઈ આંદામાન, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ હાજર છે. રાજસ્થાનના રાજસમંદમાંથી એક કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને દોઢ કિલો સોનું અને દોઢ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. તેવી જ રીતે પુણે અને અમદાવાદમાં 2 કોલ સેન્ટરનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે જેઓ સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા હતા.
સીબીઆઈની ટીમ હાલમાં આંદામાનમાં 4 સ્થળો, ચંદીગઢમાં 3 સ્થળો, પંજાબ, કર્ણાટક અને આસામમાં 2-2 સ્થળોએ દરોડા પાડી રહી છે.
FBIને ઈન્ટરપોલ મારફત ફરિયાદ મળી હતી કે આ તમામ યુ.એસ.માં સાયબર ક્રાઈમને અંજામ આપવામાં રોકાયેલા છે. આથી સીબીઆઈએ પણ ઓપરેશન ચક્ર હેઠળ આ કાર્યવાહીની માહિતી એફબીઆઈ સાથે શેર કરી છે. સાયબર ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે, સીબીઆઈએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ બનાવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પહેલીવાર ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની હાજરી જાહેર કરી છે.
આગામી ઈન્ટરપોલ મહાસભા પહેલા સીબીઆઈ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગઈ છે. ઇન્ટરપોલની ત્રણ દિવસીય મહાસભા 18 ઓક્ટોબરથી યોજાશે. આ મહાસભામાં 195 દેશો ભાગ લે તેવી અપેક્ષા છે. આ જનરલ એસેમ્બલી પહેલા, એજન્સીએ યુઝર આઈડી ‘CBI_CIO’ સાથે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના એકાઉન્ટ બનાવ્યા છે.