ગત રોજ ગુજરાતના ખેડામાં નવરાત્રી દરમિયાન પથ્થર મારાની ઘટના સામે આવી હતી. ખેડા બાદ વડોદરામાં પણ ગોરવા ગામ વિસ્તારમાં કોમી છમકલું થયુ છે. નવરાત્રીના નોમના દિવસે ઝંડો લગાવવાની બાબતે બે જૂથ વચ્ચે વિવાદ થયા બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે આખા વિસ્તારમાં તંગદીલીનો માહોલ છવાયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. સ્થાનિક પોલીસે અસામાજીક તત્વોની અટકાયત કરી છે.
વડોદરામાં ફરીથી કોમી એકતાની ઘટના બની છે. ત્યારે ગોરવા વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. જોકે, આ ઘટનામાં હજી કોઇ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસે અટકચાળા કરનારાની અટકાયત પણ કરી લીધી છે. આ સાથે પોલીસે સઘન તપાસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, ખેડામાં પણ નવરાત્રી કાર્યક્રમમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થરમારામાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.