ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક મળી છે. આજે કમલમ ખાતે પાંચ અલગ-અલગ બેઠકો ચાલી રહી છે. ભાજપ હોદ્દેદારોની બેઠકમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી સાથે અમિત શાહ બેઠક કરી કરી રહ્યા છે. આ બેઠકોમાં 182 બેઠકોના ઉમેદવારોની કામગીરીના અહેવાલ અંગે ચર્ચા થઇ રહી છે.
વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ કંઇ કાચુ કાપવા માંગતી નથી જેથી આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે આજે ગાંધીનગર કમલમ ખાતે બેઠકો કરી રહ્યા છે. અમિત શાહ પોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરી રહ્યા છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના ચાણક્ય વધુ એક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, ગૃહ પ્રધાન અમિત શાહની આ બીજી મુલાકાત છે. ગત સોમવાર અને મંગળવારે પણ અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા. ત્યાં જ આજે તેઓ બપોરે બે વાગ્યાની આસપાસ ગાંધીનગર ખાતે પહોંચવાના હતા પરંતુ તે પહેલા જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. અને આવતાની સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકોની દોર શરૂ કરી દીધો હતો. જોકે આ અગાઉ તેઓ કુલ ચાર બેઠકો કરવાના હતા પરંતુ હવે તેઓ કુલ પાંચ બેઠકો કરી રહ્યા છે. હાલમાં ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠકો કરી રહ્યા છે.
હાલમાં ગૃહ પ્રધાન અમિત શાહ કુલ બે બેઠકો કરી ચૂક્યા છે. ત્યાં તેના પછી કોર કમિટી સાથે બેઠક ચાલી રહી છે. જેના પછી તેઓ મંહા મંત્રીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી રહી છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો માટે સીઆર પાટીલે અલગ-અલગ ઉમેદવારોની યાદી મંગાવી હતી. જેમા દરેક સીટ માટે 10-10 લોકોના નામ છે. જે અંગે હાલની બેઠકોમાં ચર્ચા વિચારણા થઇ રહી છે.