ભારતમાં પાકિસ્તાનની શહબાઝ સરકાર વિરુદ્ધ મોટી ડિજિટલ સ્ટ્રાઈક થઈ છે. હાલમાં જ પીએફઆઈ પર પાંચ વર્ષના બેનના વિરોધમાં પાકિસ્તાની દૂતાવાસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કેનેડા સ્થિતિ દૂતાવાસે આ કાર્યવાહી પર ભારતનો વિરોધ કર્યો હતો અને પીએફઆઈના સમર્થનમાં વાત કહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ જ કારણે્ ભારતમાં પાકિસ્તાન સરકારની સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યા છે. જો કે, હાલમાં ટ્વિટરના ઓફિશિયલ સ્ટેટંમેન્ટની રાહ જોવાઈ રહી છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને કેનેડામાં આવેલા દૂતાવાસના એક ટ્વિટનો સ્ક્રીનશોટ, જે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયાના સમર્થનમાં હતું , તે ખૂબ વાયરલ થયું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાન મહાવાણિજ્ય દૂતાવાસ વેંકૂવરના સત્તાવાર હેંડલે પ્રતિબંધિત પીએફઆઈના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું.
એટલું જ નહીં વાંધાજનક ટ્વિટની સાથે તેમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલય અને પાક સરકારને પણ ટેગ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્વિટની વિરુદ્ધ લોકો ભારે ગુસ્સે થયા છે. આ પોસ્ટ ખૂબ વાયરલ પણ થઈ છે.
વાયરલ સ્ક્રીનશોટમાં ટ્વિટ કર્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં ધરપકડના નામ પર મોટા પાયે અટકાયત થઈ રહી છે. આ બીજૂ કંઈ પણ પીએફઆઈને ટાર્ગેટ કરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી લોકતાંત્રિક મૂલ્યોનું હનન છે. આ નિરંકુશ વ્યવસ્થા અંતર્ગત આવી રીતે કાર્યવાહી અપેક્ષિત હતી. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાન પર ભારતે ડિજિટલ સ્ટ્રાઈક કરી હોય, આ અગાઉ પણ દેશ વિરોધી કંટેટવાળી 55 યૂટ્યૂબ ચેનલ અને બે વેબસાઈટને મોદી સરકારે બેન કરી દીધી હતી.