પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયાને લઈને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને આ જાણકારી મળી છે કે, પીએફઆઈના ટાર્ગેટ પર કેરલના 5 આરએસએસ નેતા છે. તેના પર કાર્યવાહી કરતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને Y કેટેગરીની સુરક્ષા આપી છે. સૂત્રો દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ વાતની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં જ આ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, એનઆઈએ જ્યારે પીએફઆઈની કેટલીય ઓફિસો પર દરોડા પાડ્યા હતા, ત્યારે કેરલ પીએફઆઈના સભ્ય મોહમ્મદ બશીરના ઘર પર કથિત રીતે આરએસએસ નેતાઓના નામની એક યાદી મળી આવી હતી.
ગૃહમંત્રાલયને જ્યારે આ જાણકારી એનઆઈએએ જણાવી તો, તેમને આ નેતાઓની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓની સુરક્ષા નક્કી કરવા માટે સરકાર વાય કેટેગરી અંતર્ગત અર્ધસૈનિક દળોને તૈનાત કરશે.
આપને જણાવી દઈએ કે, બુધવારે કટ્ટરપંથી સંગઠન પીએફઆઈને કેન્દ્ર સરકારે પ્રતિબંધિત કર્યું હતું. આ પ્રતિબંધ આગામી 5 વર્ષ માટે લગાવામાં આવ્યો છે, કેન્દ્રના આ નિર્ણય પાછળ આ સંગઠનના આતંકીઓ સાથેના સંબંધ અને સુરક્ષાને ખતરો ગણાવ્યો હતો. UAPA અંતર્ગત કુલ 9 સંગઠન પર કેન્દ્ર તરફથી ગેરકાયદેસર ગણાવ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓ અને પોલીસે આખા દેશમાં કેટલીય જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના કેટલાય સભ્યોની ધરપકડ થઈ હતી. સંગઠન પાસે કરોડો રૂપિયા પણ મળ્યા છે, જેને દેશમાં અલગ અલગ ક્ષેત્ર અને વિદેશોમાંથી એકઠા કરવામાં આવ્યા હતા.