ચીની કંપનીઓ અને ખાસ કરીને ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપનીઓ દ્વારા ભારતમાંથી પૈસા ખોટી રીતે વિદેશ મોકલવાના કેસની તપાસમાં આજે EDને મોટી સફળતા મળી છે. EDએ Redmi અને Mi બ્રાન્ડ ધરાવતી કંપની શાઓમીની રૂ. 5551 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચીની મોબાઈલ ફોન ઉત્પાદક કંપની Xiaomiની રૂ. 5551 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપવામાં આવી છે.
EDએ શુક્રવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને આજે મંજૂરી મળી છે. આ સાથે શાઓમી(Xiaomi)ની ટાંચમાં લીધેલ રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસની સૌથી મોટી જપ્તી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૩૦ એપ્રિલના રોજ જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ શાઓમી ઇન્ડિયા પાસેથી રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર FEMA ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.
ફેબ્રુઆરી મહિનાથી ગેરકાયદે રેમિટન્સની તપાસ શરૂ કરાઇ હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાને 5551 કરોડ સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું હતું. 3 કંપનીમાંથી એક શાઓમી ગૃપની કંપની છે. જેને રોયલ્ટીની આડમાં આ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે શાઓમી ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.