ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર બરફનો પહાડ તૂટ્યો છે. હિમાલય ક્ષેત્રમાં કેદારનાથ મંદિરની નજીક આજે એટલે કે શનિવારની સવારે હિમસ્ખલન થયું અને ગ્લેશિયરથી બરફનો પહાડ ભયાનક રીતે તૂટી પડ્યો. પરંતુ રાહતની વાત એ છે કે આ હિમસ્ખલનમાં કેદારનાથ મંદિરને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. આ વાતની જાણકારી શ્રી બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે આપી.
જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથ ધામ પાસે પાછળના વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હવામાનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ હિમસ્ખલનને કારણે મંદિરને પણ કોઈ નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પણ કેદારનાથ ધામ પાસે હિમસ્ખલનનું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. જો કે તે દિવસે પણ કોઈ નુકસાન થયું ન હતું.
વાઇરલ થયેલ વિડીયોમાં આ ઘટનાનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેદારનાથ ધામ નજીકના વિસ્તારમાં આવેલી પહાડીઓ પરથી બરફના પહાડો તૂટીને કેટલી ઝડપથી નીચેની તરફ આવી રહ્યા છે. જણાવી દઈએ કે શુક્રવારે જ ચાર ધામની યાત્રાએ ગયેલા બિહારના ચાર લોકો પહાડ તૂટવાને કારણે ઉત્તરકાશીમાં ફસાઈ ગયા હતા.
નોંધનીય છે કે જે વિસ્તાર હિમસ્ખલનની ઝપેટમાં આવ્યો છે તે ચોરાબાડી ગ્લેશિયર કેચમેન્ટ એરિયા તરીકે ઓળખાય છે. આ સ્થળ કેદારનાથ મંદિર પરિસરથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. હિમાલયમાં આ એ જ હિમાચ્છાદિત તળાવ છે, જે 2013માં ફાટ્યું હતું અને ઉત્તરાખંડમાં સૌથી વિનાશક પૂરનું કારણ બન્યું હતું.
જૂન 2013 માં, ઉત્તરાખંડમાં અસામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે ચોરાબાડી ગ્લેશિયર પીગળ્યું હતું અને મંદાકિની નદીમાં પાણીનું સ્તર વિનાશક સ્તરે પહોંચ્યું હતું. આ ભયાનક પૂરથી ઉત્તરાખંડનો મોટા ભાગનો હિસ્સો પ્રભાવિત થયો હતો અને કેદારનાથ ખીણમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હતું. આ ઘટનામાં કેદારનાથ મંદિર પરિસરને ભારે નુકસાન થયું હતું, પરંતુ મુખ્ય મંદિરને નુકસાન થયું ન હતું.