ચીખલામાં જનસભાને સંબોધ્યા બાદ પીએમ મોદી અંબાજી મંદિરે પહોંચ્યા હતા. પાચમા નોરતે પીએમ મોદી મા અંબાના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે મા અંબાની પૂજા કરી હતી. પ્રધાનમંત્રીએ મા અંબાના જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં 15 મિનિટ સુધી પ્રધાનમંત્રીએ મા અંબાની પૂજા કરી હતી. મંદિરના પૂજારીએ વિધિ વિધાન સાથે પ્રધાનમંત્રીને પૂજા કરાવી હતી.
પીએમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત હતા. જ્યારે મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિરમાં આરતી કર્યા બાદ મોદી ગબ્બર તરફ જવા રવાના થયા હતા. ગબ્બરમાં લેસર શોનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. પીએમ મોદીની ઝલક જોવા માટે અંબાજી ગામમાં અનેક લોકો ગબ્બર પર પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના માર્ગ ઉપર રંગબેરંગી લાઇટીંગથી અદભુત નજારો સર્જ્યો છે. એટલું જ નહીં, માર્ગમાં સ્લીપોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવીને સજાવટ કરવામાં આવી છે.
નવરાત્રી અને પ્રધાનમંત્રીના સ્વાગત માટે મા અંબાના ધામને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે. શાનદાર, અદભૂત અને મનમોહક રોશનીથી આખુંય અંબાજી ઝળહળી રહ્યું છે. અંબાજી શહેર અને મંદિર પરિસરને આ લાઇટીંગથી ચાર ચાંદ લાગ્યા છે. અંબાજી પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા 51 શક્તિપીઠ સર્કલને વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરાઈ છે. અહીં આવતા માઈભક્તો પણ આ રોશની જોઈને અભિભૂત થયા છે.