રીક્ષાચાલકો સાથેના સંવાદમાં વિક્રાંત દત્તાણી નામના રીક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તે જ રીક્ષાવાળો આજે ભાજપમાં જોડાયો છે. આ મામલે રીક્ષાચાલકે કહ્યુ હતુ કે, કેજરીવાલ ગયા પછી મારે તેમની સાથે કોઈ સંપર્ક નથી. હું સામાન્ય નાગરિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો પણ નથી. ભાજપના કાર્યકરો હું અડધી રાતે બોલાવું તો પણ આવીને કામ કરે છે. તેણે ઉમેર્યુ હતુ કે, હું જ્યારથી વોટ નાંખતા શીખ્યો છું, ત્યારથી મોદી સાહેબનો આશિક છું.
વધુમાં તેણે કહ્યુ હતુ કે, હું મારી જાતે જ ભાજપમાં આવ્યો છું. મારી મરજીથી આવ્યો છું. મને કોઈએ આવવા માટે કીધું નથી કે મારી સાથે કોઈ જબરદસ્તી કરવામાં આવી હતી. અમાકા ઘરના માણસો છે અને કોઈપણ પ્રકારની ધાક-ધમકી આપવામાં આવી નથી.
વધુમાં વિક્રમે જણાવ્યુ હતુ કે, ‘જ્યારે કેજરીવાલ જમવા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તે બધા જ તેમના માણસો હતા. ઘણાં યુનિયન તરફથી આવ્યા હતા અને ઘણાં બહારથી આવ્યા હતા. હું ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે આટલા બધા લોકો છે. એ કેવી રીતે આવ્યાં તે મને નથી ખબર. મેં તો કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું તો જમાડીને મોકલી દીધા હતા અને ત્યારપછી અત્યાર સુધીમાં અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.’
આ ઉપરાંત વિક્રમ કહે છે કે, ‘જ્યારથી કેજરીવાલ જમીને ગયા છે ત્યારથી અત્યાર સુધીમાં તેમની સાથે કે તેમની પાર્ટીના કોઈ સભ્ય સાથે સંપર્ક નથી. તેમનો કોઈ ફોન આવ્યો નથી. હું સામાન્ય નાગરિક છું. એકપણ પાર્ટી સાથે જોડાયેલો નહોતો.’