અમદાવાદને મેટ્રોના નવા રૂટની ભેટ મળી છે. જેમાં પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનમાં સવારીનો આનંદ માણ્યો હતો. PM મોદીના હસ્તે મેટ્રોનાં નવા ફેઝનું લોકાર્પણ થયું છે. કાલુપુરથી મેટ્રો રેલ સેવાનો PMએ પ્રારંભ કરાવ્યો છે. લોકાર્પણ બાદ PM મોદી કાલુપુરથી મેટ્રોમાં બેસી દૂરદર્શન પહોંચ્યા. થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની મેટ્રો દોડશે. પૂર્વ-પશ્વિમ કોરિડોરનું ઉદ્ધાટન PM મોદીએ કર્યું.
અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિમી છે. જેમાં અત્યારે કાર્યરત લંબાઈ 6.50 કિમી છે. પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું તેની લંબાઈ 32.14 કિમી છે. એટલે કે હવે, માત્ર 1.39 કિમી લંબાઈના જ મેટ્રોનું કામકાજ બાકી રહ્યું છે. ફેઝ-1માં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો છે. જેમાંથી હાલમાં કુલ 6 સ્ટેશનો કાર્યરત છે અને 23 સ્ટેશનોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. તો માત્ર 3 સ્ટેશનોનું જ કામ બાકી રહેશે. બાકી રહેલાં સ્ટેશનો માટે જમીન મળવામાં વિલંબથવાથી તેનું કામકાજ ફેબ્રુઆરી અથવા માર્ચ 2023માં પૂરું થશે તેવી સંભાવના છે.
પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશન છે.
મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.