ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સુરત, બપોરે ભાવનગર કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓએ નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાંથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ વાઈબ્રન્ટ નવરાત્રીમાં પહોંચ્યા હતા. અહીં ભાગવતના ઋષિ કુમારોએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ માતાજીની આરતી ઉતારી હતી.
આ તકે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
દરમ્યાન ગરબા રમવા માટે આવેલા ખેલૈયાઓ પણ આરતીમાં જોડાયા હતા અને પીએમ મોદી સાથે તેઓએ પણ પોતાના હાથમાં દીવો લઈ માતાજીની આરતી ઉતારી હતી ત્યારબાદ ગરબા ગાવાના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
માતાજીની આરતી પુરી થયા બાદ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા.
ત્યારે પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. આ દરમ્યાન તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. બાદમાં તેઓ ત્યાંથી રવાના થયા હતા અને પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે થોડો સમય રોકાયા બાદ તેઓ પણ ત્યાંથી રવાના થયા હતા. વડાપ્રધાન મોદીના ગરબામાં જોડાવાના લીધે ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો હતો.