અમદાવાદ શહેરમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે અને તેમાય ખાસ કરીને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. હાલમાં મિક્ષ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે દિવસે ગરમી અને રાત્રે ઠંડી. જેના લીધે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે. સાથે જ આ વર્ષે વરસાદના પ્રમાણમાં પણ વધારો નોધાયો. જેના લીધે મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતા તંત્રએ પોતાની કમર કસી છે અને વિવિધ વિસ્તારોમાં સતત ફોગીગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 દિવસમાં ડેન્ગ્યુના કેસમાં આપત્તિજનક વધારો થયો છે. શહેરમાં સપ્ટેમ્બરના 24 દિવસમાં 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 173 કેસ, ઝેરી મેલેરિયાના 14 કેસ, ચિકનગુનિયા 35 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા 24 દિવસમાં 41,326 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 4462 સેમ્પલ લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી રહ્યુ છે. જયારે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.