વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબામાં જોરદાર હોબાળો થયો છે. છેલ્લા બે દિવસથી ગરબારસિકો હોબાળો મચાવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગરબાપ્રેમીઓએ પગમાં કાંકરા અને કાંટા વાગતા હોવાની ફરિયાદ કરી હતી. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડ પર પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા. અવાર નવાર ફરિયાદ કરવા છતાં પાર્ટીપ્લોટના આયોજકે ધ્યાન ના આપતા હોબાળો મચાવ્યો હતો અને રીફંડ આપવાની વાત કરી ગરબા બંધ કરાવી દીધા હતા.
પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં એક પાસની કિંમત 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
અતુલ પુરોહિતે હોબાળો શરૂ થતા જ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું.
ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, શહેરના આર.વી.દેસાઇ રોડ પર સાધના કોલોનીમાં રહેતા વકીલ વિરાટસિંહ શિવરાજસિંહ વાઘેલાએ ગ્રાહક કોર્ટમાં યુનાઇટેડ વે ઓફ વડોદરાના બોર્ડ ઓફ ગવર્ન્સ, ચેરમેન અમિત ગોરડિયા, વાઇસ ચેરમેન સિવેન્દરસિંહ ચાવલા તથા ખજાનચી રાકેશ અગ્રવાલ ફરિયાદ કરી જણાવ્યું છે કે, યુનાઇટેડ વે સંસ્થાએ કલાલી ખાતે ગ્રાઉન્ડ ભાડે લીધું છે.
ખેલૈયાઓ પાસેથી ડોનેશનના નામે પાસ ઇશ્યૂ કરી ખેલૈયા દીઠ 4800થી વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, અહીંનો પાસ મેં ઓનલાઇન લીધો હતો. હું પહેલા નોરતે રમવા ગયો હતો. મને તથા અન્ય ખેલૈયાઓને ગરબા રમતા સમયે પગમાં પથ્થર વાગ્યા હતા. જેની જાણ અમે ગરબાના વહીવટકર્તાઓને કરી પરંતુ, તેઓ કહ્યુ કે, તમારે થોડા દિવસ રાહ જોવી પડશે. જો રાહ જોવી ના હોય તો વધુ રૂપિયાની વ્યવસ્થા કરી આપો તો ગ્રાઉન્ડ વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરી શકાય.
આ કેસ સંદર્ભે ગ્રાહક કોર્ટે તમામને નોટિસ ઇશ્યૂ કરી છે.
આ હોબાળો એટલી હદે વકર્યો કે, ગરબા આયોજકોએ રીફંડ માટે લીંક મુકવાનો વારો આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, બુધવારે 1 થી 7 દરમિયાન લીન્ક મૂકવામાં આવશે જેથી તેઓ રીફંડ મેળવી શકશે. 7 વાગ્યા પછી રીફંડ માટે અરજી કરી શકાશે નહિ.