રાજ્યમાં ચૂંટણી નજીક આવતા દરેક પક્ષો લોકોને વચનોની લ્હાણી કરાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફૂટી રહેલા પેપર મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વચન આપ્યું છે. ગુજરાતમાં આપની સરકાર બનશે તો વર્ષ 2015 પછી પરિક્ષાઓના જેટલા પેપર ફૂટ્યા છે તે મામલે તપાસ કરાવશે અને પેપર ફોડનારને 10 વર્ષની જેલ સજા થાય તેવો કાયદો લાવશે.
ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને અમદાવાદ આવેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કામદારો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પંજાબના સીએમ ભગવંત માન શાયરના અંદાજમાં જણાવ્યું કે હેરત હે આપ કો સ્કૂલ મેં દેખ કર, એસા ક્યાં કર દીયા કે શિક્ષા યાદ આ ગઈ. તેઓએ સફાઈ કામદારોને જણાવ્યું કે તમારી હિંમતને સલામ છે કે તમે સિસ્ટમ સામે બહાર નીકળ્યા છો.
સાથે જ તેઓએ જણાવ્યું કે સફાઈ ભારતની નહિ ગંદી રાજનીતિની સફાઈ કરવાની જરૂર છે. બીજીતરફ અરવિંદ કેજરીવાલએ જણાવ્યું કે ભાજપના અચ્છે દિન આવે કે ન આવે પણ ત્રણ મહિના પછી આપની સરકાર બની તો કેજરીવાલના સચ્ચે દિન જરૂર આવશે. યુવાનોને સંબોધતા તેઓએ કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો વર્ષ 2015 પછી પરિક્ષાઓના જેટલા પેપર ફૂટ્યા છે તે મામલે તપાસ કરાવશે અને પેપર ફોડનારને 10 વર્ષની જેલ સજા થાય તેવો કાયદો લાવશે. આ ઉપરાંત ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી ઉભી કરશે તેવું પણ તેઓએ ઉમેર્યું હતું. તેઓએ જણાવ્યું કે દેશમાં 75 વર્ષ સુધી બાળકોની શિક્ષા પર ધ્યાન અપાયું નથી.
મહત્વનુ છે કે કાર્યક્રમ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને પોતાના ઘરે જમવા આવવાનું કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું. તેવામાં કેજરીવાલે પહેલાં તેને પરિવાર સાથે દિલ્હી સ્થિત ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું જે માટે પ્લેનની ટીકીટ પણ મોકલશે અને સાથે દિલ્હીની સ્કૂલ અને હોસ્પિટલ જોવા પણ આમંત્રણ આપ્યું હતું. સાથે જ દિલ્હીના સીએમ ભગવંત માને દિલ્હીના પંજાબ ભવનમાં આવવા આમંત્રણ આપ્યું હતું.