હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. તેમજ કોઇ એક પક્ષના આગેવાનો કોઇ અન્ય પક્ષમાં જોડાતા રાજકારણમાં પણ ગરમાવો આવે છે. એવામાં ભાજપ-કોંગ્રેસના બે ધારાસભ્યો એકસાથે જોવા મળ્યા.
કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓ ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા. ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા એકસાથે માતાજીની આરતી કરતા જોવા મળ્યા. લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે તાલમાં તાલ મેળવતા દેખાઇ રહ્યાં છે. જોકે તમને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં ધારાસભ્યો અનેકવાર ભાજપ નેતાઓ સાથે જોવા મળતા હોય છે. જેના લીધે અનેકવખત રાજકારણમાં ગરમાવો આવતો હોય છે.
રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમાળાના લોકાર્પણમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રમેશ ધડુક, વલ્લભ કથીરીયા અને કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એકસાથે જોવા મળ્યા હતા. જેથી ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે આ વખતે એકવાર ફરી લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા એકસાથે જોવા મળ્યા છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાય તેવા ફરીવાર સંકેત મળ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
જોકે બીજી બાજુ રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકો માટે ગઈકાલે દિવસભર કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી. જોકે આ સેન્સ પ્રક્રિયામાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા ગેરહાજર રહ્યાં હતા. આથી, આ બેઠકમાં લલિત વસોયાની ગેરહાજરીથી અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. સેન્સ પ્રક્રિયામાં ગેરહાજરી મુદ્દે લલિત વસોયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ‘ધારાસભ્યને કોઈ રજૂઆત કરવાની નથી. ધારાસભ્યને રજૂઆત ન કરવાની હોવાથી હું ગેરહાજર રહ્યો હતો. હું કોંગ્રેસની ટિકિટ પરથી જ ચૂંટણી લડીશ.’ તમને જણાવી દઇએ કે, 8 બેઠકો માટે 80 દાવેદારોએ પ્રોફાઈલ આપી છે. પ્રદેશ કોંગ્રેસને 80 દાવેદારોની પ્રોફાઈલ મળી છે. 8 બેઠકમાંથી અત્યારે ભાજપ પાસે 7 બેઠક છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એકાદ મહિના અગાઉ રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમાળાના લોકાર્પણમાં પણ ભાજપ- કોંગ્રેસ નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. જેમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો.