નોઈડાના સેક્ટર-21માં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના જલવાયુ વિહારમાં દિવાલ ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. આ દર્દનાક અકસ્માત દિવાલ સાથેની ગટરમાં સફાઈ દરમિયાન બન્યો હતો. તમામ મજૂરો બદાઉનના રહેવાસી છે. તેઓ સવારે 9:30 વાગે જલવાયુ વિહાર પાસે ગટર સાફ કરવા પહોંચ્યા હતા. મૃતકોના નામ પુષ્પેન્દ્ર, અમિત, પાનસિંહ છે. ગંભીર રીતે ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવાલનો કાટમાળ હટાવવા માટે ત્રણ જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને દળો સ્થળ પર હાજર છે. પોલીસ કમિશનર આલોક સિંહ, ડીએમ સુહાસ એલવાય, નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરી ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં લાગી ગયા.
NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવાય છે કે કોન્ટ્રાક્ટર સુંદરના કહેવા પર મજૂરો ગટરની સફાઈનું કામ કરતા હતા. દિવાલ પહેલાથી જ જર્જરિત હતી, તે અંગે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટરે કામ અટકાવવા દીધું ન હતું. સ્થળ પર ભારે ભીડ જામી છે. ડીએમ સુહાસ એલવાયએ કહ્યું કે નોઈડા ઓથોરિટીએ જલવાયુ વિહાર પાસે સેક્ટર 21માં ગટરની સફાઈ કરવાનું કામ સોંપ્યું હતું. કામદારો ઇંટો કાઢી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. જિલ્લા હોસ્પિટલમાં બે અને કૈલાશ હોસ્પિટલમાં બેના મોત થયા છે. ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે ડઝનથી વધુ મજૂરો ગટરની સફાઈમાં સામેલ હતા. આખી દિવાલ 100 મીટરથી વધુ ધરાશાયી થતાં તમામ કામદારો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ અને ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિવાલ જલવાયુ વિહાર સોસાયટીની છે. દિવાલની બહારથી એક ગટર છે. ત્યાં જ સફાઈ ચાલી રહી હતી. દિવાલ બહારની બાજુએ ગટર તરફ પડી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આટલી મોટી દિવાલ કેવી રીતે પડી, જેણે 4 લોકોના જીવ લીધા તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા સેક્ટર 21માં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.