નવરાત્રી આવી રહી છે ત્યારે ખેલૈયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાંથી હજુ સુધી વરસાદની વિદાય થઈ નથી. એટલે રેઈનકોટ અને છત્રી હાથવગા રાખજો. કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં આવતીકાલે રવિવારે સરક્યુલેશન સિસ્ટમ અને એના કારણે લો પ્રેસર સિસ્ટમ સર્જાય એવી શક્યતાઓ છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના પારડી, ચીખલી અને વાપી સહિતના કેટલાંક વિસ્તારોમાં ચારથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાંથી હજુ સુધી ચોમાસુ ગયુ નથી. આગામી સમયમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં રવિવારે સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને એના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આમ તો સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાની વિદાય રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરથી થતી હોય છે.
બીજી તરફ, 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ વિદાય લેતુ હોય છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની તારીખમાં પણ ફેરફાર થયો છે. ત્યારે ભૂજ અને તેની આસપાસના વિસ્તારોમાંથી 15ના બદલે 26 સપ્ટેમ્બરે, અમદાવાદમાં 22ના બદલે 30 સપ્ટેમ્બરે અને સુરતમાંથી 2જી ઓક્ટોબરના રોજ ચામાસુ વિદાય લે એવી શક્યતા છે. ચોમાસાની પેટર્ન બદલાઈ હોવાથી નવરાત્રીમં વરસાદ વિલન બની શકે છે. સાથે જ ગુજરાતમાં 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ હળવા કે છૂટાછવાયા ઝાપટા અને વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેવાની સંભાવના છે. સાથે જ નૈઋત્યનો પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય છે. ગુજરાતના દરિયાકાંઠામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પણ સર્જાયેલી છે. એટલે કે ટૂંકમાં, ચોમાસાએ હજુ સુધી વિદાય લીધી નથી. નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ આવતીકાલે અમદાવાદ સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની વકી છે.