ગુજરાતમાં આગમ દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.
કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો અને સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે અંતિમ મતદાર યાદી બાબતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
ત્યારે રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે 10 ઓક્ટોબર 2022ની આસપાસ અંતિમ મતયાદી જાહેર કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે 2022ની ચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની સીધી નજર હવેથી ગુજરાતની ચૂંટણી પર રહેશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. જ્યારે ગાંધીનગર કલેક્ટર તરીકે ગાંધીનગર DDO ડો. સુરભી ગૌતમને ચાર્જ સોંપાયો છે.