અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ સાતમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ સાથે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.
હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે.
આ અંગે આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા ત્યારે આ દુર્ઘટના બની ગઇ હતી. જે લોકો પાસેની બિલ્ડિંગમાં હાજર હતા તેમને બહું જ મોટો અવાજ આવ્યો હતો. જેથી તરત જ તેઓ નીચે આવ્યા હતા.
મૃતકોના નામ
1. સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
2. જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
3. અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
4. મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
5. રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
6. પંકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)
ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે કે, તમામ મૃતકો પુરુષ છે અને ગોધરાના રહેવાસી છે. આ લિફ્ટ 13મા માળેથી નીચે પડ્યા હતા. આ તમામ મૃતકો સેન્ટિંગનું કામ કરતા હતા. ચાલુ બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
ફાયરની ટીમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ‘આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી. સેફ્ટી નિયમોનું પાલન છે કે નહીં તેની તપાસ થશે’