મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ અમદાવાદનું આજે ભવ્ય સમાપાન થયું હતું, જેમાં ગુજરાત અને પશ્ચિમ ભારતમાંથી મોટી સંખ્યામાં ટ્રાવેલ ટ્રેડ જોવા મળ્યો હતો. ત્રણ દેશ અને 22 રાજ્યોના 700થી વધુ વિક્રમી પ્રદર્શકો સાથે ટીટીએફ અમદાવાદ અત્યાર સુધીનો સૌથી મોટી ઈવેન્ટ બની હતી. આ શોએ મહામારી પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં નોંધપાત્ર પુનરુત્થાન થયાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડ્યો હતો.
દાયકાઓથી ટીટીએફ, ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે એકબીજાને મળવા, નેટવર્કિંગ અને વ્યવસાય કરવા માટેનું સર્વોત્તમ પ્લેટફોર્મ રહ્યું છે. મહામારી પછી ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમના મજબૂત પુનરાગમન માટે આ શોનું મહત્વ, શો ફ્લોર પર થયેલા ટર્ન-આઉટ દ્વારા સ્પષ્ટ થઈ ગયું હતું. 7000થી વધુ ટ્રેડ વિઝિટર્સે આ શોમાં ભાગ લીધો હતો. જે મહામારી-સંબંધિત પ્રતિબંધોના બે વર્ષ પછી ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં ટીટીએફના મહત્વનો પુરાવો છે. ફ્લોર પર જોવા મળેલો ધસારો જબરજસ્ત હતો અને સમગ્ર ઉદ્યોગ માટે તે લાભદાયી બની રહ્યો હતો.
2022-2023ના આગામી મહિનાઓમાં ભારતભરમાં પ્રવાસ અને પર્યટનમાં તેજી આવવાની સંભાવના છે. ભારતીય ડોમેસ્ટિક ટ્રાવેલ માર્કેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્થિતિસ્થાપક બજારોમાંનું એક છે. ભારતમાંથી આઉટબાઉન્ડ મુસાફરી વધતી માંગ સાથે તેજીમાં છે, જો કે વિશ્વના ઘણાં દેશોમાં માટે વિઝા પ્રોસેસિંગમાં બેકલોગ ચાલી રહ્યો છે.
2022માં જ 68% ભારતીયો સ્થાનિક મુસાફરી કરે તેવી અપેક્ષા છે, સ્થાનિક પર્યટન નિ:શંકપણે દેશના અર્થતંત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ 67% (વાર્ષિક ધોરણે) વધીને 5.72 કરોડ થઈ ગઈ છે.
પ્રવાસન ઉદ્યોગમાં મૂલ્યવાન પ્રદાન બદલ ટીટીએફે હંમેશા ગુજરાતના બજારના મહત્વને માન્યતા આપી છે, ચાલુ વર્ષે પણ તેણે એ બાબતને પુનઃપ્રસ્થાપિત કરી હતી કે ટુરિઝમનું સૌથી મૂલ્યવાન બજારની હોવાની સાથે સાથે જ આ રાજ્ય પ્રવાસન માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહેવાલો અનુસાર, ગુજરાતના જીડીપીમાં ટુરિઝમનો ફાળો વર્ષ 2022માં રાજ્યના કુલ કુલ ઘરેલુ ઉત્પાદનમાં આશરે 10.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2015 માં લગભગ પાંચ ટકા હતો. આ વૃદ્ધિમાં ખાસ કરીને અમદાવાદનો નોંધપાત્ર ફાળો છે.
ગુજરાતે પણ આવનારા પ્રવાસીઓમાં જોવાયેલા પુનરુત્થાનના લાભ મેળવ્યાં છે. 2022-2023ના પહેલા ક્વાર્ટરમાં અમદાવાદમાં એર પેસેન્જર્સની સંખ્યામાં 194 ટકાનો વધારો થયો છે. માત્ર એપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન જ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરો સહિત આશરે 21.2 લાખ મુસાફરો શહેરના એરપોર્ટ પરથી પસાર થયા હતા. કોર્પોરેટ પ્રવૃત્તિઓમાં વધારો અને આગામી લગ્નસરાની સિઝનને કારણે અમદાવાદની તમામ હોટેલોમાં હોટેલ ઓક્યુપન્સી અને એવરેજ ડેઇલી રેટ (એડીઆર)માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હોટેલિયર્સના જણાવ્યા અનુસાર, એડીઆર ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં રૂમ દીઠ રૂ. 2,900ની નીચી સપાટીથી વધીને પ્રતિ રાત રૂ. 5,500 પ્રતિ રૂમ જેટલું ઊંચું થયું છે. તમામ હોટલોમાં ઓક્યુપન્સીનું સ્તર વધીને સરેરાશ 75 ટકા થઈ ગયું છે.