આજે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કર્યું છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ પુરતી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે વડોદરાના માણેજામાં રાત્રે નિકળેલી ગણેશ વિસર્જનની સવારીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ગામમાં રાત્રે ગણેશ વિસર્જનની સવારી નિકાળવામાં આવી હતી. જેમાં ડીજેમાં ડાન્સર કરવા બાબતે છુટ્ટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો. વિસર્જનની સવારી દરમિયાન ત્રણ માથાભારે શખ્સો ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી ગયા હતા અને ડીજે ડાન્સ કરતી વખતે મંડળના યુવકો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત સંચાલકને મારવા પણ દોડ્યા હતા. વિસર્જન દરમિયના માથાભારે શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ડી.જે સંચાલકોને ડી.જે નો અવાજ ઓછો રાખવા, રાત્રે 10 વાગ્યા પછી ડી.જે બંધ રાખવા, લેઝર લાઇટનો ઉપયોગ નહીં કરવા તેમજ નોઇસ પોલ્યુશન અંગે નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવા સમજ આપી બાંહેધરી પત્ર લેવામાં આવ્યા છે. સાથે શ્રીજીની પ્રતિમાઓનંઇ શાંતિ પૂર્વક વિસર્જન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
પાણીગેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી ગણપતિ વિસર્જનના ટાઈમિંગને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ટ્રાફિક જામ ન થાય. તેમજ આ વર્ષે કીર્તિ સ્તંભવાળા રોડ પરથી અને ડાંડિયા બજાર બાજુથી એમ બે રૂટ પણ વિસર્જન માટેના નક્કી કરવામાં આવ્યા છે.