ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અંગે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે. જોકે, આગામી 10મી સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી 10થી 12મી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધશે. આગાહી પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં 10મી તારીખ બાદ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ નહીં રહે અથવા ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ પછી વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. આ દરમિયાન અતિભારે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.
હાલ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલી વિસ્તારમાં એક સર્ક્યુલેશન બન્યું છે. 24 કલાકમાં તે લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. જેના પગલે ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે ત્રણ દિવસ વરસાદની સંભાવના નથી. બાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હાલ આખા ગુજરાતમાં સરેરાશ કરતા 24 ટકા વધારે વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં અત્યારસુધી પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83.92 ટકા, સૌરાષ્ટ્રમાં 90.26 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.69 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 102.46 ટકા વરસાદ પડ્યો છે.
બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. બુધવારે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.17 મીટર થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 9 સેન્ટી મીટરનો વધારે થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં પાણીની આવક 66,353 ક્યુસેક છે. ડેમના બે દરવાજા 0.35 સેન્ટી મીટર ખોલીને 15,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.