હાલ રાજ્યમાં વરસાદી માહોલ નથી. પરંતુ બફારા અને તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. જેમાં 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના ડાયટેક્ટર, ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. 2થી 3 દિવસ બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન થશે. જે વધીને 37 ડિગ્રી સુધી વધી શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થવાના કારણે તડકો સીધો પડતા તાપમાનમાં વધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલ વાવાઝોડાની કોઈ આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 778 એમએમ વરસાદ પડ્યો છે. 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેસર એરિયા બનશે તો વરસાદનું જોર વધી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે.
છેલ્લા 24 કલાકમાંકુલ 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના વાપી, ખેરગામ, પારડીમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામ, કપરાડા, નિઝર, ધરમપુર, પલસાણા, જાંબુધોડ, સાંવરકુંડલા, સુરત અને સાગબારામાં પણ વરસાદ નોંધાયો છે.