કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી એટલે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ છેતરપિંડીના કેસમાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી હેડક્વાર્ટરના આધારભૂત સૂત્રોએ આ સમાચારની ઔપચારિક પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા હાલ મનીષ સિસોદિયાના ઘરે નથી થઈ રહ્યા. ઇડીના સૂત્રો પ્રમાણે દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોરમાં હજુ પણ દરોડા ચાલી રહ્યા છે.
આ અંગેની વાત કરીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં સીબીઆઈએ 30થી વધારે લોકેશન પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઇઆર પ્રમાણે, એક્સાઇસ પોલિસી વિભાગના મંત્રી મનિષ સિસોદિયાને સૌથી પહેલા અને મુખ્ય આરોપી બનાવવવામાં આવ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપીઓ, કંપનીઓ સહિત કુલ 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ મામલાને ટેકઓવર કરીને ઇડી આમાં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસ કરી રહી છે.