ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના હજરતગંજ વિસ્તારમાં લેવાના હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 12 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હોટલમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બારીઓ દ્વારા અનેક લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. લેવાના હોટલના જે ભાગમાં હજુ પણ આગ ભભૂકી રહી છે તેને બુલડોઝરથી તોડવામાં આવી રહ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે આ મામલાને ગંભીરતાથી લેતા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.
લખનઉની સિવિલ હોસ્પિટલમાં 7 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડો. આર પી સિંહે જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે બે લોકો મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા અને એક પુરુષ છે. ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આગ લાગ્યા બાદ 2 લોકો બેભાન થઈ ગયા. તેમને લેવાના હોટલથી કાઢવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે લેવાના હોટલમાં આગ લાગી હોવાની આશંકા છે. જેની પુષ્ટિ આગ પર કાબૂ મેળવ્યા બાદ થઈ શકશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખનઉની લેવાના હોટલમાં આગ લાગ્યાની ઘટનાને ગંભીરતાથી લેતા જિલ્લાધિકારી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને તત્કાળ રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે પણ નિર્દેશ આપ્યા છે.
બૂમો પાડવા લાગ્યા લોકો
આગ લાગ્યા બાદ હજરતગંજની લેવાના હોટલથી બહાર નીકળેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેમને ધૂમાડો નીકળતો જોયો હતો. ત્યારબાદ તેઓ તરત હોટલની બહાર નીકળી ગયા. વ્યક્તિએ જણાવ્યું કે તે હોટલમાં અન્ય હાજર લોકોની બૂમો સંભળાતી હતી.
અત્રે જણાવવાનું કે આગની ખબર મળતા જ ફાયરની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગ્યા બાદ હોટલમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. અનેક લોકો હોટલની બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા.