થોડા દિવસ પહેલા વલસાડમાં થયેલી હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. થોડા દિવસ પહેલા વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્યા થઈ હતી. આ મામલે વૈશાલીની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનો દાવો વલસાડ પોલીસે કર્યો છે. એવી માહિતી મળી છે કે વૈશાલીની હત્યા માટે તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. આ માટે આઠ લાખ રૂપિયા નકકી કરવામાં આવ્યા હતા. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. બબીતા આ પૈસા પરત આપવાની આનાકાની કરી રહી હતી. આખરે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીનો ખેલ ખતમ કરી નાખ્યો હતો..
તપાસમાં એવો ખુલાસો થયો છે કે વૈશાલીએ બબીતાને 25 લાખ રૂપિયા આપ્યા હતા. વૈશાલી રકમ પરત માંગી રહી હતી. બીજી તરફ બબીતા આ પૈસા આપવા માટે તૈયાર ન હતી. વૈશાલીએ જ્યારે પૈસા પરત મેળવવા માટે દબાણ વધાર્યું તો બબીતાએ તેણીના એક ફેસબુક ફ્રેન્ડને વૈશાલીની હત્યાની સોપારી આપી દીધી હતી. બબીતાએ આઠ લાખ રૂપિયામાં વૈશાલીની હત્યા માટે સોપારી આપી હતી. આ મામલે વલસાડ પોલીસે બબીતાની ધરપકડ કરી લીધી છે.
વલસાડની સિંગર વૈશાલી બલસારાની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી. કારમાં સિંગર વૈશાલીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં ગત રવિવારે બપોરે 1 ફોન આવ્યો હતો. ફોનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પારડીની પાર નદી કિનારે એક અજાણી કાર પડી છે. આ કારમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ પડ્યો છે. પોલીસને મળેલી આ માહિતીને આધારે પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વૈશાલી બલસારા હાઈપ્રોફાઈલ લાઇફ જીવતી હતી. તેનો પરિવાર કેનેડામાં રહે છે. વૈશાલીના ઘરમાં દારૂની મહેફિલ પણ અગાઉ ઝડપાઈ હતી. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા વૈશાલી અને તેના મિત્રોને ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસ વૈશાલીના મિત્રો અને તેના પતિનું ઝીણવટભર્યું નિવેદન લઈ તપાસ હાથ ધરી છે.