દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને આગામી સમયમાં આવો જ માહોલ રહેશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં ચોમાસુ સક્રિય રહેવાથી આગામી 4 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અને મધ્ય ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીનું એલર્ટ છે કે, જે વિસ્તારમાં વરસાદ પડવાનો છે ત્યાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બને તેવી પણ શક્યતા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વીજળી પડવાની સાથે સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને કાલે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આજે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશથી છત્તીસગઢ સુધીમાં 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉપરવાસમાં આજે, કાલે અને 6 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સામાં પણ 5 અને 6 સપ્ટેમ્બરે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો છે અને 6 સપ્ટેમ્બર સુધી આવો જ માહોલ રહેશે. જ્યારે ઉત્તરમાં 4 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં છૂટાછવાયા અને ભારે વરસાદની શક્યતાઓ છે. અહીં કડાકાભડાકા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદને પગલે ભારે પૂરનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન લાખો લોકો બેઘર થઈ ગયા છે અને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે.