ગુજરાતમાં ફરી છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજે અમદાવાદમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારા બાદ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલાના ભેરાઈ, કડિયાળી, રામપરા, છતડીયા અને હિંડોરણામાં વરસાદ ખાબક્યો હતો. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.