રાજયમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન બન્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરના સમયથી અમદાવાદ શહેરના ઘણા વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. જેને પગલે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા તેમજ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.
વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આરટીઓ સર્કલથી સાબરમતી બ્રિજ સુધી ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા છે. ગાજવીજ સાથે પડી રહેલા વરસાદના પગલે વાહન ચાલકોને કરવો હાલાકીનો સામનો કરવો પડી પડી રહ્યો છે.
હવામાન ખાતાની આગાહી મુજબ હાલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા છે. જ્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાઇ ગયો છે. અચાનક જ વિજળી કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પ્રહ્લાદ નગર, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, શ્યામલ, વસ્ત્રાપુર, ગુરૂકુળ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે.
આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.