સાપુતારા ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો
મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું
ગુજરાતમાં ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વિશે કોઈ કહે તો સૌથી ટોપ પર નામ આવે સાપુતારાનું દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન છે.
સાપુતારા આકર્ષણનું કેન્દ્ર
સાપુતારાની ખૂબસૂરતી વધુ પડતી ચોમાસામાં ખીલી ઉઠે છે અને એ સમયે સાપુતારા ગુજરાતીઓ માટે અને ગુજરાતની આસપાસના રાજ્યોના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. સાપુતારા શબ્દનો અર્થ થાય છે ‘સાપનું ઘર’. પહેલાના સમયમાં સાપુતારામાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. જો કે આજે પણ સાપુતારાના જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાની આજુબાજુનાં જંગલોમાં છૂટ-છૂટા આદિવાસીઓ પણ રહે છે. જો કે ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો હવે પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે એવી માન્યતા પણ છે કે ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો. એ જ સમયે શબરી સાથે એમનો ભેટો થયો હતો અને શબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા હતા.
મેઘ મલ્હાર પર્વ-2022
ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ વચ્ચે 30 જુલાઈથી 30 ઑગષ્ટ એટલે કે એક મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું. જેને મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું છે. મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બે વર્ષ કોરોનાને કારણે મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી શક્ય બની ન હતી. સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2022માં મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો સમાવેશ થાય છે.
મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવે છે. સાથે જ ત્યાં રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.
શિવ ઘાટ વોટરફોલ (Shiv Ghat Waterfall)
શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાના આહવાથી 10 કિલોમીટરના અંતરે આવ્યો છે. અંહિયા શંકર ભગવાનનું નાનું મંદિર છે તેથી આ ધોધનું નામ શિવ ઘાટ ધોધ રાખવામાં આવ્યું છે.
પૂર્ણા નદી (Purna River)
આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.
ગિરા ધોધ (Gira Waterfall)
ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે.
ડોન હિલ સ્ટેશન (Don Hill Station)
મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરની વચ્ચે આવેલ ગુજરાતમાં કુદરતી સોંદર્યનો છુપાયેલો ખજાનો એટલે ડોન હિલ સ્ટેશન. ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન આહવાથી માત્ર 30 કિલોમીટર દૂર છે અને ડાંગના ફરવાલયક સ્થળોમાંથી એક છે.
શબરી ધામ (Shabri Dham)
આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે આવેલ છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે.
પમ્પા સરોવર (Pampa Lake)
હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. સાથે જ આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ થયો છે. આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામના આગમનની પ્રતિક્ષા કરતી હતી.
ગવર્નર હિલ \ ટેબલ વ્યૂ પોઈન્ટ (Governor Hill / Table View Point)
આ સ્થળ સાપુતારા હિલસ્ટેશનના સૌથી ખાસ સ્થળોમાંથી એક છે. ત્યાં તમે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, ઝિપ લાઇન, રોપ વે, બાઇક રાઇડિંગ વગેરેનો આનંદ માણી શકો છો.
સર્પગંગા સરોવર (Sarp Ganga Lake)
સર્પગંગા સરોવરમાં તમે બોટિંગનો અનુભવ લઈ શકો છો અને ત્યાંનાં લોકોના કહેવા મુજબ સૂરજનો તડકો લેવા માટે સાપ આ સરોવરના કિનારે અવાર-નવાર આવતા રહે છે.
ગીરીમાળ ધોધ (Girimal Waterfall)
આ ધોધ 100 ફૂટ સુધીની ઉંચાઈ સુધી વિસ્તરેલો છે, જે તેને ગુજરાતનો સૌથી ઊંચો ધોધ બનાવે છે. ડાંગના સુબિર તાલુકા અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે આવેલા શિંગાણા ગામથી 12 કિમી દૂર ગીરમાળ ગામમાંથી પસાર થતી ગીરા નદી પર આ ધોધ આવ્યો છે. ગીરીમાળ ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. જેની ઉંચાઈ 150 ફુટ છે.