મહિલા આઇસીસી ટુર્નામેન્ટ નવ વર્ષ બાદ ભારત પરત ફરશે
ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે
2024માં વર્લ્ડ કપની શરુઆત બાંગ્લાદેશથી થશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ 2024થી 2027 દરમિયાન મહિલાઓની ચાર મેજર વિમેન્સ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી દીધી છે. આ અંતર્ગત વર્ષ 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થશે. બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આઇસીસીએ આ કાર્યક્રમ પર મહોર મારી દીધી હતી. જેમાં બે ટી-20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવામાં આવશે. વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે, જેનું આયોજન વર્ષ 2027માં થવાનું છે.
આ ભારતમાં આઇસીસીની પાંચમી મહિલા ટૂર્નામેન્ટ હશે. ભારત અત્યાર સુધીમાં 3 વન-ડે વર્લ્ડકપ અને એક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. આ સાથે મહિલા આઇસીસી ટુર્નામેન્ટ નવ વર્ષ બાદ ભારત પરત ફરશે. ભારતે છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. છેલ્લે 2013માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાયો હતો. આઇસીસીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, જેની વચ્ચે 31 મુકાબલા ખેલાશે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે.
આઇસીસીની તાજેતરની જાહેરાત અંતર્ગત ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ભારતની વાત કરીએ તો બીસીસીઆઇ વર્ષ 2025માં મહિલા વન ડે વર્લ્ડકપની યજમાની કરશે. ચાલુ વર્ષે ન્યુઝીલેન્ડમાં વિમેન્સ વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને જીત મેળવી હતી.
2024માં વર્લ્ડ કપની શરુઆત બાંગ્લાદેશથી થશે જેમાં 10 ટીમોની વચ્ચે 23 મેચ રમવામાં આવશે. ત્યાર બાદ 2025માં ભારતમાં વર્લ્ડ કપ યોજાશે જે પછી ટી-20 વર્લ્ડ કપ યોજાશે. આ વખતે ઈંગ્લેન્ડમાં 2026નો ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે.