ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે
5 લાખ કે તેથી વધુ રકમના ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનશે
બેન્ક અને એટીએમ સંબંધી નિયમોમાં થશે ફેરફાર
સોમવારથી ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટના આગમન સાથે બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા નિયમો અને બેંક-એટીએમ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારને કારણે તમને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે અને તમારા ખિસ્સા પર સીધી અસર થઈ શકે છે.
તહેવારો અને રજાઓના કારણે ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આ મહિનામાં યોજાય છે. તેથી જો તમારી પાસે ઓગસ્ટમાં બેંકને લગતું કોઈ કામ હોય તો બેન્કમાં જતા પહેલા રજાઓનું લિસ્ટ જરૂરથી ચેક કરી લેજો.
ચેક ક્લિયરન્સ અંગે આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને, બેંક ઓફ બરોડાએ તેના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે 1 ઓગસ્ટથી 5 લાખ કે તેથી વધુ રકમના ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનશે. તે સિવાય ચેક પેમેન્ટ નહીં કરી શકાય.
દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ ફ્રોડને રોકવા માટે વર્ષ 2020માં ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ, ચેક દ્વારા 50,000 રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક મુખ્ય માહિતીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા ચેકની માહિતી મેસેજ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા આપી શકાય છે. ચેકની ચુકવણી કરતા પહેલા આ વિગતો તપાસવામાં આવે છે.