દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે
ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ થયો તે વિશે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં થયો. ચોર્યાસીમાં 17મી.મી, તિલકવાડામાં 10 મી.મી, ગરુડેશ્વરમાં 8 મી.મી વરસાદ તથા સતલાસણામાં 8 મી.મી, જામ કંડોરણામાં 8 મી.મી વરસાદ નોંધાયો.
મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વિરપુર, સરસણ, પાદેડી, ચુથાના મુવાડા, મંકોડીયા, સાદકડાણા અને સંતરામપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વધુમાં કાળીબેલમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો. એ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ અને ખેરગામમાં પોણા 3 ઈંચ, કચ્છના અંજાર અને ભરૂચના વાલીયામાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, ભચાઉ, સંતરામપુર, કપરાડા અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ, હાંસોટ, ભુજ અને કડાણામાં પોણા બે ઈંચ વરસાદ, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ વરસાદ તો સંખેડા, ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.
ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4 ઈંચ ખાબક્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાંક જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’