5 દિવસ ભારે વરસાદની આગાહી
50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે
હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. 22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે.
દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.આજે આટલી જગ્યા એ થઇ શકે છે વરસાદ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, બોટાદ, દ્વારકા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, પોરબંદર
રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.’વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.