પિત્ઝામાં અનેક પ્રકારના ફેરફારો અને પ્રયોગો કરવામાં આવે છે
આ યાદીમાં એક નવીનતમ વસ્તુનો સમાવેશ થયો
કાળા રંગનું ચીઝ કારણ કે મોટા ભાગે આપણે ચીઝને પીળા રંગમાં જ જોયું હોય
પિત્ઝા એક એવી વાનગી છે, જેમાં વર્ષોથી જુદા-જુદા અનેક પ્રકારના ફેરફારો અને પ્રયોગો કરવામાં આવે છે. ટોપિંગ્સ તરીકે અનાનસથી માંડીને બ્રોકલી સુધીની અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના ઓનલાઇન વીડિયોઝ પણ તમને ઈન્ટરનેટ પર સરળતાથી મળી રહે છે. હવે આ યાદીમાં એક નવીનતમ વસ્તુનો સમાવેશ થયો છે અને એ છે કાળા રંગનું ચીઝ. હા, તમે બરાબર જ વાંચ્યું કાળા રંગનું ચીઝ. ચીઝનો આ રંગ સાંભળીને મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા હશે, કારણ કે મોટા ભાગે આપણે ચીઝને પીળા રંગમાં જ જોયું હોય છે. તો ચાલો… આજે આ કાળા રંગના ચીઝ સાથેના આ પિત્ઝા વિશે જાણીએ…
આ પિત્ઝા મુંબઈનાં અંધેરીમાં આવેલા એક કાફે પિત્ઝા બાય એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હકીકતમાં આ પિત્ઝા વિશેના બીજાં પણ ઘણા વીડિયો છે, જેમાંનો આ એક વીડિયો છે, જે આ અનોખી વાનગી વિશે જણાવે છે, જેમ કે પાંચ દિવસ પહેલાં શેર કરવામાં આવેલા આ વીડિયોની કેપ્શનમાં લખ્યું હતું કે ‘ભારતનો પહેલો બ્લેક ચીઝ પિત્ઝા.’ આ વીડિયોમાં કેટલાક લોકો પિત્ઝા ખાતા જોવા મળી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ પિત્ઝાની સ્લાઇસ ઉઠાવે છે, ત્યારે એમાંથી બ્લેક ચીઝ બહાર આવતું દેખાય છે.
અન્ય એક વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે આ વાનગીનું નામ ‘બ્લેક હોલ પિત્ઝા’ છે અને એની કિંમત 445 છે. આ વીડિયોમાં પિત્ઝાની સાઈડની કોરનો રંગ પણ કાળો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પર લખેલી એક ટેક્સ્ટ સમજાવે છે કે આ રંગ એકદમ કુદરતી છે અને એમાં કોઈપણ કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
અન્ય એક વીડિયોને લોકોની ઘણીબધી કોમેન્ટસ મળી હતી અને ઘણા બધા લોકોએ આ વીડિયોને લાઈક કરીને આ વાનગી ટેસ્ટ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી હતી કે ‘ આ પિત્ઝા રસપ્રદ લાગે છે.’ બીજાએ લખ્યું ‘આ પિત્ઝાની ફરતે સિમેન્ટ હોય એવું લાગે છે.’ ત્રીજાએ કોમેન્ટ કરી, ‘સ્ટ્રેન્જર થિંગ્સમાંથી સીધેસીધું આવ્યું લાગે છે. કેવો કાળો રંગ છે? કઈ વિચિત્ર સામગ્રી છે આ?’ આ કોમેન્ટના જવાબમાં અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘આ તો ચારકોલ છે.’ તો લોકોના આ રિવ્યૂઝ બાદ શું તમે ટ્રાય કરશો આ પિત્ઝા?