રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો
હાલમાં વાહનો તથા મોબાઇલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે
ડિઝિટલ માધ્યમથી ફરિયાદ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે
હવે જો તમારે પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી રહે. જેવી રીતે તમે એક ક્લિકમાં ઘરે બેઠા વસ્તુઓ મેળવી શકો છો તેવી જ રીતે પોલીસ ફરિયાદ પણ ઘરે બેઠા નોંધાવી શકાશે. આવો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારુ વાહન કે મોબાઇલ ચોરાઇ જાય તો ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવવાની જરૂર રહેતી નથી. પોલીસ વિભાગની સિટિઝન ફર્સ્ટ એપ થકી ઓનલાઇન એફઆઇઆર નોંધાવી શકે છે. આ ફરિયાદ નોંધાયાના 21 દિવસમાં જ તેનો નિકાલ કરી દેવામાં આવશે.
ફરિયાદનું મોનિટરિંગ કરવામાં આવશે. ફરિયાદ સાચી છે કે ખોટી તે પણ નક્કી કરાશે. મહત્વનુ છે કે હાલમાં વાહનો તથા મોબાઇલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ડિઝિટલ માધ્યમથી ફરિયાદ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે જેનો રાજકોટ વાસીઓને ફાયદો થશે.
અગાઉની જો વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શિસ્તભંગને લઇને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન પર પોલીસ લખેલા લખાણને લઇને રાજકોટ પોલીસે એક્શનમાં આવી હતી. પોલીસ કમિશનર રાજુભાર્ગવે POLICE લખાવનારા પોલીસકર્મીઓ સામે કરી કાર્યવાહી કરી હતી. મહિલા ASI સહિત 7 પોલીસકર્મીઓને સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ કર્યો. શિસ્ત ભંગ બદલ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા નવી પહેલ કરવામાં આવી જે રાજકોટ વાસીઓ માટે આવકારદાયક છે.