ODIમાં 1 સ્થાન અને 3 ખેલાડી
ધવન અને કોચ દ્રવિડે ટીમ પસંદ કરવામાં કરવી પડશે માથાપચ્ચી
શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 3 મેચની વન-ડે શ્રેણી 22 જુલાઇથી રમશે. આવામાં કોચ રાહુલ દ્રવિડને ઓપનિંગ સ્લોટ માટે માથાપચ્ચી કરવી પડશે કારણ કે આ એક સ્થાન માટે 3 ખેલાડી દાવેદાર છે. આ શ્રેણીમાં શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે અને નક્કી છે કે તે ઇનિંગ્સની શરૂઆત કરશે. નિયમિત કેપ્ટન રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. શિખર ધવન કેપ્ટનશિપ કરશે અને ઓપનિંગ પણ કરશે. ટીમમાં તેના સિવાય અન્ય 3 ઓપનર છે. જેમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. આવામાં કેપ્ટન ધવન અને કોચ રાહુલ દ્રવિડ માટે બીજો ઓપનર પસંદ કરવામાં થોડી માથાપચ્ચી કરવી પડશે.
24 વર્ષના ઇશાન કિશન પાસે ભલે 3 વન-ડે મેચનો જ અનુભવ હોય પણ દક્ષિણ આફ્રિકા સામે જૂનમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં તેણે ઘણા પ્રભાવિત કર્યા હતા. તેણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 શ્રેણીમાં તક મળી હતી પણ તે 8 રન બનાવી આઉટ થયો હતો.
ઋતુરાજ ગાયકવાડની વાત કરવામાં આવે તો હજુ સુધી તે એકપણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમ્યો નથી. આઈપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરનાર 25 વર્ષનો ઋતુરાજ હાલ ફોર્મમાં નથી. તેણે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે 57 રનની ઇનિંગ્સ રમી હતી પણ આ પછી તે રાજકોટ ટી20માં 5, બેંગલુરુ ટી-20માં 10 રન જ બનાવી શક્યો હતો. આયરલેન્ડ સામે ડબલિનમાં રમાયેલી ટી-20 મેચમાં તેને તક આપવામાં આવી ન હતી.
શુભમન ગિલ પાસે અત્યાર સુધી 3 વન-ડે રમવાનો અનુભવ છે. જોકે ભારતીય ટીમની રણનિતી જોવામાં આવે તો તેનું પલડું ભારે લાગી રહ્યું છે. તેનું કારણ તે રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે. ભારતીય ટીમ રાઇટ અને લેફ્ટનું કોમ્બિનેશન બનાવે છે. રોહિત શર્મા રાઇટ હેન્ડેડ છે તો તેની સાથે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં શિખર ધવન ઉતર્યો હતો. હવે ધવન સાથે રાઇટ હેન્ડેડ બેટ્સમેન શુભમન ગિલ ઉતરી શકે છે. પંજાબનો આ ક્રિકેટર અત્યાર સુધી 3 વન-ડે સિવાય 11 ટેસ્ટ મેચ પણ રમ્યો છે અને 4 અડધી સદી ફટકારી છે.