ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ફરીથી વધશે
હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને કરી આગાહી
મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવન
ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (18 જુલાઈ) આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 155 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે.
“આજે 18 તારીખે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તમામ જગ્યાએ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. ગુજરાત રિઝનમાં આજે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી.”
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “19 તારીખે પણ ગુજરાત ક્ષેત્રમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવન છે. 20 અને 21 તારીખે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આ દરમિયાન મોટાભાગે હળવાથી મધ્યમ વરસાદ પડશે. 22 તારીખથી ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની સંભાવના છે. આ તારીખે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.”
ગુજરાતમાં 18મી તારીખ સુધીમાં સરેરાશ 57.24 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 103.44 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.40 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા, સૌરાષ્ટ્રમાં 57.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 155 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે.