ભારતમાં મંકિપોક્સનો ફેલાવો વધ્યો
કેરળમાં નોંધાયો બીજો કેસ
પહેલો કેસ પણ કેરળમાં જ નોંધાયો હતો
વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકિપોક્સ વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી નવી આફત નોંતરે નહીં તો સારુ. લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. મંકિપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ફેલાય છે એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની તાતી જરુર છે.કેરળના કન્નુરમાં મંકિપોક્સનો બીજો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કન્નુરના જે શખ્સનો ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેના સેમ્પલ આજે પોઝિટીવ આવ્યાં છે. દર્દીને હાલમાં અલગ રાખીને તેની સારવાર કરાઈ રહી છે. તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે.
કેરળના હેલ્થ મિનિસ્ટર વીણા જ્યોર્જે કહ્યું કે કન્નુરના 31 વર્ષીય વ્યક્તિની હાલમાં પરીયારમ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. દર્દીની સ્થિતિ સારી હોવાનું કહેવાય છે. દર્દી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે.
રવિવારે, આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે કેરળમાં મંકીપોક્સના કેસ નોંધાયા બાદ તિરુવનંતપુરમ, કોચી, કોઝિકોડ અને કન્નુર આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
નિવેદન અનુસાર, છેલ્લા 21 દિવસમાં જ્યાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેવા દેશોમાંથી આવતા મુસાફરો ઉપરાંત, તાવ, ફોલ્લા, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં દુખાવો અને ખોરાક ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણો ધરાવતા લોકોએ એરપોર્ટ પર હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ. મંત્રીએ કહ્યું કે જિલ્લાઓમાં આઇસોલેશન સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે અને મંકિપોક્સના લક્ષણોવાળા લોકોએ 21 દિવસ સુધી ઘરે રહેવું જોઈએ.
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.
વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.