ગુજરાતના ટીનેજર્સને BTS બેન્ડનો ‘નશો’
અમદાવાદ જિલ્લાની સગીરા વીડિયો બનાવનાર પાછળ પાગલ
હાથમાં બ્લેડ મારી, કોરિયા જઈ લગ્ન કરવા છે, હાલ સારવાર હેઠળ
ઘણાં બાળકો રોજ કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે, જેને કારણે ટીનેજર્સ ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે, જેથી સ્વભાવ આક્રમક, મૂડી અને અંતર્મુખી પણ થઈ જાય છે. રાજ્યમાં ઘણા ટીનેજર્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જોવાની આદત પડ્યા બાદ 11થી 17 વર્ષનાં બાળકો માટે મોટી આફત નોતરી છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ નાનાં શહેરોમાં ટીનેજર્સને વીડિયોની લત લાગી છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ પાસેના એક નાના શહેરની સગીરાને કોરિયાના BTS બેન્ડની લત લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. જ્યારે અન્ય એક બાળકનું કાઉન્સેલિંગ અને સારવાર ચાલી રહી છે.
આ વીડિયો જોવાની ઘેલછા બાદ એવી સ્થિતિ ઊભી થઈ છે કે તે આ વીડિયો બનાવનાર મુખ્ય પાત્ર સાથે લગ્ન કરવાનું કહી રહી છે, કોરિયા જઈને તેને મળવા માગે છે, તે પણ એમાં જોડાવા માગે છે.
આ અંગે અમદાવાદની ખાનગી હોસ્પિટલના સાઈકિયાટ્રિસ્ટ ડૉક્ટર કલરવ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં BTS બેન્ડ જોવાની આદત પડી હોય એવા 7 જેટલા કિસ્સા મારી પાસે આવ્યા છે. પરિણામે, પરિવારજનોની ચિંતામાં વધારો થયો અને તેમનાં બાળકોનું ભવિષ્ય બરબાદી તરફ ધકેલાઈ રહ્યું હોવાનો ભાસ થઈ રહ્યો છે.